ગુલાબનું ફૂલ | આઈ.કે.વીજળીવાળા | Motivational Story
World Gujarati World Gujarati
3.68K subscribers
430 views
9

 Published On Premiered Jun 15, 2021

ગુલાબનું ફૂલ | આઈ.કે.વીજળીવાળા | Motivational Story

ગુલાબનું ફૂલ – ડૉ. આઈ. કે. વીજળીવાળા
સુંદર મજાનો એક બગીચો હતો. એમાં એક ખૂણે બાંકડા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. બેઠો બેઠો એ પોતાની વ્યથાઓને યાદ કરીને દુ:ખી થઈ રહ્યો હતો. જિંદગીએ એને આપેલાં દુ:ખોથી એ અત્યંત વ્યથિત જણાતો હતો. દીકરો અને એની વહુ બરાબર સાચવતાં નહોતાં, અથવા તો સાચવતાં હતાં પણ એને એનાથી સંતોષ નહોતો. પગના સાંધા જકડાઈ ગયા હતા, મોતિયો પણ પાકવાની તૈયારીમાં હતો, તબિયત પણ નરમગરમ રહેતી હતી. આટલાં બધાં કારણો મગજમાં ઘમસાણ મચાવી રહ્યાં હતાં. એના કારણે સુંદર બગીચામાં બેઠા હોવાં છતાં એ દાદાને એક પણ વસ્તુ સારી નહોતી લાગતી. એમને જાણે કશામાં રસ જ નહોતો રહ્યો.
એ જ સમયે એક છોકરો ત્યાંથી દોડતો નીકળ્યો. ઉંમર હશે છ વરસની આસપાસ. દાદાની ઉધરસનો અવાજ સાંભળીને એ એમની તરફ આવ્યો. દાદાની તરફ હાથ લંબાવીને જાણે પોતાને કોઈ ખજાનો જડી ગયો હોય એવા આનંદ અને ભાવ સાથે એ બોલ્યો : ‘જુઓ ! જુઓ તો ખરા ! મને શું મળ્યું છે તે !’
દાદાએ એની હથેળીમાં દષ્ટિ કરી તો એક ચીમળાઈ ગયેલું ગુલાબનું ફૂલ હતું. એકાદ બે દિવસ પહેલાં ખરી પડ્યું હશે. એની અરધોઅરધ પાંખડીઓ ખરી ગઈ હતી. બગીચાના માળીએ બેચાર દિવસથી વાળ્યું નહીં હોય, નહીંતર એ ત્યાં પડેલું પણ ન હોત. આવું સુકાઈ ગયેલું ફૂલ જોઈને દાદાના ચહેરા પર અણગમાના ભાવો ઊપસી આવ્યા. માણસ ઉદાસ હોય ત્યારે થોડોક ચીડિયો પણ થઈ જતો હોય છે. દાદાને પણ આ છોકરાનું આવવું ન ગમ્યું. એ જલદી ત્યાંથી જતો રહે તેવી ઈચ્છા એમને થઈ આવી. એટલે કંઈ પણ જવાબ આપ્યા વિના જરાક હસીને એમણે બીજી તરફ મોં ફેરવી લીધું, જેથી પેલો છોકરો એનો અણગમો જોઈને જતો રહે. પણ એ તો ભારે ચીટકુ નીકળ્યો. જતા રહેવાને બદલે એણે તો એ જ બાંકડા પર બેઠક જમાવી ! અને બરાબર દાદાને અડકીને જ બેસી ગયો.
થોડી વાર એમ જ બેઠા પછી એણે પેલા ચીમળાઈ ગયેલા ફૂલને નાક પાસે લઈ જઈ જોરથી સૂંઘ્યું. ત્યાર બાદ બોલી ઊઠ્યો કે ‘અરે વાહ ! આમાંથી તો સુગંધ પણ કેવી સરસ આવે છે !’ પછી દાદાની તરફ ફરીને બોલ્યો : ‘આવું સરસ ફૂલ તમારે જોઈએ છીએ ? એમાંથી સુગંધ પણ કેવી મસ્ત આવે છે ! જો તમારે આ ફૂલ જોઈતું હોય તો હું તમને એમ ને એમ જ આપીશ હોં ! હું બીજું ફૂલ શોધી લઈશ. બોલો, આપી દઉં ?!’
હવે દાદાને બરાબરની ચીડ ચડી. નાનકડા બાળકને ખિજાવાનું એમને યોગ્ય ન લાગ્યું. એનાથી પીછો કેમ છોડાવવો એનો ઉપાય એ શોધતા હતા. પોતે જો એનું ફૂલ સ્વીકારી લે તો પછી એ જતો રહે એવું વિચારી એમણે મોઢા પર બનાવટી હાસ્ય લાવીને કહ્યું : ‘ઠીક છે દીકરા ! આટલું સુંદર ફૂલ હોય અને તું મને એમ જ આપતો હોય તો એ સ્વીકારવામાં મને કંઈ જ વાંધો નથી. લાવ ત્યારે !’ એમ કહી ફૂલ લેવા એમણે હાથ ધર્યો. ખુશ થઈને પેલા બાળકે ફૂલ આપવા હાથ લાંબો કર્યો. પણ દાદાનો લંબાયેલો હાથ ક્યાં છે તે એ નક્કી ન કરી શક્યો. ફૂલ દાદાના હાથમાં પડવાને બદલે નીચે પડી ગયું. એ છોકરો બંને આંખે આંધળો હતો.
દાદાએ એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. એની પાસેથી ફૂલ લીધું. પછી પૂછ્યું, ‘બેટા ! તું રોજ અહીં આવે છે ? તેં કદી ફૂલને જોયું છે ખરું ?’
‘હા દાદા ! હું રોજ અહીં રમવા આવું છું. મેં તો ફૂલને કદી જોયું નથી પણ મારી મા પાસેથી એના વિશે બરાબર જાણ્યું છે ખરું. પણ દાદા ! ભલે ને મેં એને જોયું ન હોય, હું એની સુગંધ તો બરાબર જાણું છું ને ! એનો રંગ તો મને મારી મા કહે પણ એની સરસ સુગંધ અને કૂણી પાંખડીઓને તો હું બરાબર ઓળખું છું ! ફૂલ કેવું સરસ હોય નહીં !’ એટલું કહીને એ ઊભો થયો. પછી બોલ્યો : ‘દાદા ! તમને ગમે તો એ સુંદર ફૂલ આજથી તમારું હો કે ! તમે રોજ અહીં આવશો તો હું તમને રોજ આવું જ સરસ ફૂલ લાવી આપીશ હોં !’ એટલું કહી એ કૂદતો કૂદતો ત્યાંથી જતો રહ્યો.
દાદા તો હવે કંઈ પણ બોલવાની સ્થિતિમાં જ નહોતા રહ્યા. એમની બંને આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા હતા. દુનિયાને જોવા-જાણવા તેમજ માણવાની બધી જ સગવડો ભગવાને આપી હોવા છતાં પોતે કેવા દુ:ખી હતા ? મનમાં કેટકેટલાં દુ:ખોનું કૃત્રિમ જાળું ઊભું કરીને પોતે જ તેમાં ગૂંચવાઈ ગયા હતા ? આવા સરસ બગીચામાં બેસીને પણ કુદરતના સૌંદર્યનો એક અંશ પણ પોતે નહોતા માણી શકતા. જ્યારે જેણે ફૂલને કે બગીચાને ક્યારેય જોયાં જ નથી એવો બાળક એ ચીમળાયેલા ફૂલના સૌંદર્યને બરાબર માણી શકતો હતો. છતી આંખે પોતાને આસપાસનાં આટલાં બધાં ફૂલો પણ જરાય આનંદ નહોતાં આપી શકતાં. ખરેખર આંધળું કોણ હતું ? એ જ ક્ષણે એમને થયું કે પોતાનાં દુ:ખો માટે બીજું કોઈ જ જવાબદાર નથી. વાંક કોઈ સમસ્યા કે દુનિયાનો નથી પણ પોતાની જાતનો જ છે. પોતાની પાસે દુનિયાને સાચી રીતે જોવાની એ દષ્ટિ જ ન હતી, જે આ અંધ બાળક પાસે હતી.
થોડીક વાર વિચાર કરીને એ ઊભા થઈ ગયા. પોતાની લાકડી હાથમાં ઉપાડી પણ ટેકવી નહીં ! એમને હજુ પોતાના પગ દગો નહીં દે તેવી ખાતરી થઈ આવી. દુનિયાને કોઈ નવા જ દષ્ટિકોણથી જોવા અને માણવાની મનોમન તૈયારી કરી, ખુશખુશાલ ચહેરે અને મક્કમ પગલે એમણે ઘર તરફ પ્રયાણ કર્યું !
એ જ સમયે પેલો અંધ બાળક હાથમાં બીજું ફૂલ લઈને એમની બાજુમાંથી પસાર થયો. એવા ઉત્સાહથી એ જઈ રહ્યો હતો કે એવું જ લાગે કે જાણે આવા જ બીજા કોઈ ઉદાસ વૃદ્ધની જિંદગી બદલવા માટે ન જઈ રહ્યો હોય !

#worldgujarati #MotivationalStory #ગુલાબનું_ફૂલ

show more

Share/Embed